ગુજરાતની અજાયબી ઝૂલતા પુલની સંપૂર્ણ હકિકત, વાંચી ચોંકી જશો!

Posted: December 6, 2013 in Chatpat, News

4713_1

 

 મોરબીનો સવાસો વરસથી ઝૂલતો પુલ
– મોરબીની અજાયબી જેવા ઝૂલતા પુલના ઇતિહાસની અજાણી અને અત્યંત રસપ્રદ વાતો…

‘આ એકદમ રોમાંચક રાઇડ જેવો અનુભવ છે’ દક્ષિણ આફ્રિકાથી આવેલા મિસ્ટર હન્ટ પોતાની જાતને સ્થિર કરતાં કહે છે, પણ તેમનું ધ્યાન તો પોતાનાં પગલાં પર જ છે. ચહેરા પર ઉશ્કેરાટ મિશ્રિત ડર તરવરી રહ્યો છે. સાઠ ફૂટ નીચે શાંત શૈલીથી વહેતાં મચ્છુ નદીનાં પાણી અને દૂર દેખાતા સિમેન્ટ ક્રોન્ક્રીટના પાડા પુલ પર દોડતાં વાહનો પર ઊડતી નજર નાખીને તેઓ ઝૂલતાં પુલના બીજે છેડે જવા પગ ઉપાડે છે, પણ એ દરમિયાન તેમનાં આધેડ પત્ની હેન્ડી ડિજિટલ કેમેરામાં અમારો ફોટોગ્રાફ ખેંચી લે છે. જોકે મિસ્ટર હન્ટ સાથે આવેલા ગોરખપુરના સુનીલ મિત્તલ ઝૂલતા પુલના છેડે જ ઊભાં રહી ગયાં છે. એકાદ વરસથી રાજકોટમાં નોકરી કરતા સુનીલ પ્રથમ વખત જ મોરબી આવ્યા છે અને પહેલી જ વખત ઝૂલતા પુલને નજીકથી જોઈ રહ્યા છે, ‘મને ઊંચાઈનો ડર લાગે છે એટલે પુલને પસાર કરવાની હિંમત થતી નથી.’

કહેવાની જરૂર નથી કે આપણે મોરબીના ઐતિહાસિક અને વન એન્ડ ઓન્લી જેવા ઝૂલતા પુલની વાત કરી રહ્યા છીએ. દક્ષિણ આફ્રિકાના ગાર્નેટ હન્ટની જેમ હજારો વિદેશીઓ સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે ત્યારે ઝૂલતા પુલ પરથી ઝૂલતાં ઝૂલતાં પસાર થવાની અનોખી થિ્રલ માણી ગયા છે. આપણા દેશવાસીઓની સંખ્યા તો લાખોને આંબે એટલી થાય તેમ છે. જો અને તો વાળી વાત છે, પણ સૌરાષ્ટ્રનાં સેવન વન્ડરની યાદી બનાવવામાં આવે તો તેમાં મોરબીના ઝૂલતા પુલને જરૂર સામેલ કરવો પડે, તેવી ‘વેલ્યૂ’ છે.

4713_2

 

જરા વિશાળ દૃષ્ટિકોણથી જુઓ તો આ ઝૂલતા પુલનું મહત્ત્વ ઐતિહાસિક અડીકડી વાવ કે ઝૂલતા મિનારા કે પ્રાચીન બૌદ્ધ ગુફાઓ જેટલું જ છે, કારણ કે આ પ્રકારનો ઝૂલતો પુલ કદાચ, ભારતમાં એકમાત્ર છે. જી, હૃષીકેશમાં આવેલો લક્ષ્મણ ઝૂલા પુલ, એ પણ બેશક અદ્વિતીય છે, પરંતુ મોરબી નગરપાલિકાના એન્જિનિયર હરેશ પટેલ સમજાવે છે કે લક્ષ્મણ ઝૂલા સસ્પેન્શન બ્રિજ છે. તેને નીચેથી લોખંડના ગર્ડરનો આધાર મળે છે, જ્યારે મોરબીનો પુલ તો ખરેખર (ઘોડિયાની જેમ) ઝૂલતો પુલ છે. લોખંડના સળિયા અને રોપના આધારે તે મચ્છુ નદીની ઉપર લટકે છે. કોઈ તેના પર પસાર થાય ત્યારે રીતસર તે ઝૂલે છે.

4712_3

 

અને નવાઈની વાત તો એ છે કે આવો અદ્ભુત પુલ છેલ્લાં એકસો બાવીસ વર્ષથી સૌરાષ્ટ્રના જમા ખાતામાં બોલે છે અને આટલાં વરસોમાં તેની મૂળ બાંધણીમાંનું કશું બદલાવવું પડયું નથી. છતાં આઝાદી પછી તેને એકાદ ડઝન વખત બંધ કરવો પડયો છે અને ક્યારેક તે બબ્બે વરસ સુધી ખસ્તા હાલમાં જ પડયો રહ્યો છે. મચ્છુ હોનારતમાં આ પુલનાં પાટિયાં તણાઈ ગયાં હતાં. ભૂતકાળમાં નવનિર્માણના આંદોલન વખતે તોફાનીઓએ ઝૂલતા પુલનાં લાકડાં (જેના પર ચાલવાનું હોય છે) સળગાવી દીધાં હતાં. ભૂકંપ વખતે પુલને ખાસ નુકસાન નહોતું થયું, છતાં ભૂકંપ પછી બે વરસ સુધી ઝૂલતો પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો. ભૂકંપ વખતે દરબારગઢના પથ્થર અને કાટમાળે ઝૂલતા પુલ સુધી જતી લાકડાંની ગેલરી અને પરસાળ તોડી નાખી હતી એટલે પુલ સુધી પહોંચી શકાતું નહોતું.

4712_4

 

સાડાસાત લાખ રૂપિયાના ખર્ચ પછી તેને ફરી શરૂ કરવામાં આવ્યો હતો, પણ એ પછીય થોડા થોડા દિવસ માટે તેને બે વખત બંધ કરવો પડયો હતો. ઐતિહાસિક તેમ જ અદ્વિતીય એવા આ ઝૂલતા પુલ સાથે આવું થતું જ રહ્યું છે. નવેમ્બર ૨૦૦પના આરંભમાં જ ઝૂલતા પુલને બંધ કરી દેવામાં આવ્યો હતો. થોડી મરમ્મત પછી ફરી શરૂ કરવામાં આવ્યા છે. ફરી એક વરસ પછી બંધ. મોરબી નગરપાલિકાના ઈજનેર પટેલ કહે છે કે પુલ પર લાકડાનાં પાટિયાં હોવાથી તે તૂટી જાય કે કોઈ તોડી પાડે ત્યારે સલામતી ખાતર અને તેને બદલવા માટે પુલ પરની અવરજવર અટકાવવી પડે છે. પુલમાં માત્ર દેવદાર (ચીલ)નું લાકડું જ વાપરવામાં આવે છે.

4712_5

 

સૌરાષ્ટ્રના ગૌરવ સમા આ ઝૂલતા પુલના સર્જનની કથા જાણવી એટલે જરૂરી છે કે તેનું ઐતિહાસિક અને ઈજનેરી મહત્ત્વ પણ સમજાય. મોરબીના લોકપ્રિય રાજવી વાઘજી ઠાકોર બહુ દૂરંદેશીવાળા અને સ્વપ્નશીલ રાજા હતા અને સ્થાપત્યકળાના શોખીન હતા. તેમણે જ મોરબીની જયપુર જેવી બાંધણીવાળી બજારો બનાવી હતી. તેમના જ શાસન દરમિયાન મોરબીમાં પ્રથમ સ્ટીમ પ્રેસ આવ્યું. ફોર્ડ મોટર આવી. વીજળીનાં અજવાળાં થયાં અને ટ્રામ (ટ્રેન) પણ દોડતી થઈ. આ બધું ઈ.સ. ૧૮૮૦થી ૧૮૯૦ની સાલમાં જ થયું અને એટલે જ વાઘજી ઠાકોરને લંડનનાં મહારાણી વિક્ટોરિયાને નાઈટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો ખિતાબ આપ્યો હતો અને મોરબીને સેકન્ડમાંથી ફસ્ર્ટ ક્લાસ સ્ટેટનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

4711_6

 

આ અરસામાં ઈંગ્લેન્ડ જતા-આવતા રહેલા વાઘજી ઠાકોરને પોતાના દરબારગઢથી મચ્છુ નદીના સામે કાંઠે આવેલા નજરબાગ પેલેસ (જેમાં હવે એન્જિનિયરિંગ કોલેજ ચાલે છે) જવા માટે ઝૂલતો પુલ બનાવવાનો વિચાર આવ્યો અને તેનો અમલ થઈ ગયો. આ પુલ વિશેની ઝીણી ઝીણી વિગતો તો મળતી નથી, પણ ઈંગ્લેન્ડના જ ઈજનેરો અને ત્યાંથી જ મગાવેલી સામગ્રીમાંથી પુલનું નિર્માણ થયું હતું. મોરબી સ્ટેટના પેલેસ ઓફિસર મનહરસિંહ જાડેજાના કહેવા મુજબ પહેલાં આ ઝૂલતા પુલમાં પિત્તળના સ્ક્રૂ અને સાગનાં પાટિયાં હતાં.

4711_7

 

૧૯૭૨માં પ્રસિદ્ધ થયેલાં ‘મોરબીની અસ્મિતા’ પુસ્તકમાં ઉલ્લેખ છે તેમ આ ઝૂલતો પુલ સાતસો પાંસઠ ફૂટ લાંબો અને સાડાચાર ફૂટ (૪.૬ ફૂટ) પહોળો છે. ૧૮૮૭માં તે બન્યો ત્યારે જમીનથી સાઠ ફૂટ ઊંચે ઝૂલતો હતો. મહારાજ વાઘજી ઠાકોરે આ પુલ પાછળ કેટલો ખર્ચ કર્યો હતો તેનો કોઈ ચોક્કસ આંકડો જાણવા મળતો નથી, પણ ઝૂલતા પુલની પહેલાં વાઘજી ઠાકોરે આઠસો ફૂટ લાંબો પુલ (જે પાડા પુલ તરીકે જાણીતો છે) પણ બનાવડાવ્યો હતો. મોરબીમાં આ ઝૂલતા પુલ માટે તો એવું જ કહેવાય છે કે વાઘજી ઠાકરે માત્ર મહારાણીસાહેબાને નજરબાગ પેલેસ જવા માટે ગામ વીંધવું ન પડે તે માટે જ ઝૂલતો પુલ બનાવડાવ્યો હતો. જૂના દરબારગઢમાંથી ઝૂલતા પુલ જતો રસ્તો હજુ પણ છે. દરબારગઢથી પોતાના આગવા એકાંત સાથે નજરબાગ પેલેસમાં જઈ શકાય એ ઉદ્દેશથી જ કદાચ, વાઘજી ઠાકોરે ઝૂલતા પુલનું સર્જન કરાવ્યું હોવાની પૂરી શક્યતા છે.

હવે આ પુલ પર દેશવિદેશના પ્રવાસીઓ ઉપરાંત મોરબીની એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને ગામવાસીઓ અવરજવર કરે છે. આ પુલ પર થઈને સામે કાંઠે આવેલી મહાપ્રભુજીની બેઠકનાં દર્શન કરવા જાય છે. જોકે આઝાદી પછી આ પુલ સરકારે પોતાના હસ્તક લઈ લીધો અને હવે તેની દેખરેખ તેમ જ સલામતીની જવાબદારી મોરબી નગરપાલિકા હસ્તક હતી. સરકારી લીખાપઢીની મર્યાદાઓના કારણે આ ઐતિહાસિક નજરાણાને વધુ ભોગવવું ન પડે એ ગણતરીથી તેની દેખરેખનું કામ મોરબીની નગરપાલિકાએ ૨૦૦૭માં અજંતા ગ્રૂપને સોંપ્યું. એ પછી ઝૂલતો પુલ બંધ થયો નથી. અજંતા ગ્રૂપના એમડી જયસુખભાઈ પટેલે એકાદ કરોડના ખર્ચે તેને ફરી ઝૂલતો કરી દઈને ખરેખર તો ગુજરાની ઐતિહાસિક અસ્મિતાને ડૂબતી બચાવી લીધી છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s